Thursday 26 June 2014

ભોળું ઊંટ ને લુચ્ચું શિયાળ


એક ઊંટ રસ્તો ભટકીને ફરતું ફરતું જંગલમાં આવી ગયું. આ જંગલમાં એક સિંહ રહે. તેની સેવામાં કાગડો, દીપડો ને શિયાળ હંમેશાં હાજર જ હોય. ઊંટ ત્યાં આવ્યું એટલે સિંહને દયા આવી ને તેને પણ પોતાની પાસે રાખી લીધું. સિંહને ઊંટ ખૂબ વહાલું થઈ ગયું.

હવે એક વાર થયું એવું કે સિંહ ક્યાંકથી ઘવાયો. તે બહાર જઈ શકતો નહીં, આથી કાગડો, દીપડો ને શિયાળ તેને માટે ખોરાક શોધી લાવ્યાં. બે-ચાર દિવસ થયા કે સૌ કંટાળ્યાં. એક દિવસ કોઈ જ શિકાર ન મળ્યો. ત્રણેય જણાં વિચારવા લાગ્યાં કે હવે શું કરવું? શિયાળ કહે,’ આ ઊંટને જ મારી નાખીએ તો?’ એટલે કાગડો અને દીપડો કહે,’અરે! એ તો રાજાનું માનીતું છે. તેને કેવી રીતે મારી શકાય?’ શિયાળ કહે,’જુઓ, હું તમને એક આઇડિયા આપું છું. હું કહું તેમ કરવાનું. એટલે સાપ પણ મરશે અને લાકડી પણ નહીં તૂટે.’શિયાળે બંનેને વાત કરી. બંને જણાં તેની વાત પર રાજી થઈ ગયા. થોડી વાર રહીને ઊંટ પાસે ગયા.

શિયાળે ઊંટને કહ્યું કે માલિકની તબિયત સારી નથી. તેમને ભૂખ લાગી છે. અમે ત્રણેય જણાં તેમની પાસે જઈએ છીએ તારે આવવું હોય તો ચાલ. ઊંટ તેમની સાથે જવા તૈયાર થઈ ગયું. ચારેય જણાં સિંહ પાસે પહોંચ્યાં. સૌથી પહેલાં કાગડાએ કહ્યું કે, માલિક તમે ભૂખ્યા છો તો મારો શિકાર કરો. આ સાંભળી તરત શિયાળે કહ્યું કે, ના ના તું તો કેટલો નાનો છે. તારો શિકાર કરે તોય માલિકનું પેટ ન ભરાય. માલિક મારો શિકાર કરો. શિયાળની વાત સાંભળી દીપડો બોલ્યો, અરે, તુંય ક્યાં જાડુંપાડું છે? સ્વામી તને ખાય તો પણ તેમનું પેટ ન ભરાય. તમે મારો શિકાર કરો.’ આ વાત સાંભળીને ઊંટ વિચારવા લાગ્યું કે, સિંહે મને આશરો આપ્યો છે. મારે પણ તેમની આગળ મારી જાત રજૂ કરવી જોઈએ અને આમેય એમણે ક્યાં આ ત્રણનો શિકાર કર્યો છે તો મારો કરશે? કહેવામાં જાય છે શું?આમ વિચારીને ઊંટે કહ્યું,’ રાજા, તમે મને આશ્રય આપ્યો છે. તમારો ઉપકાર છે મારા પર. તમે મારો શિકાર કરો.’ હજુ સિંહ કશું કહે એ પહેલાં જ શિયાળે તરત બરાબર છે એમ કહીને તેના પર તરાપ મારી અને ઊંટનો શિકાર કરી લીધો.

વાર્તાનો બોધ એ છે મિત્રો, કે ક્યારેય બીજાની વાતોમાં હામાં હા ન મેળવવી જોઈએ. આપણી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને સાચો નિર્ણય લેવો જોઈએ અને બોલતાં પહેલાં વિચારવું જોઈએ.

0 comments:

Post a Comment