Tuesday 24 June 2014

બિલાડીમાસીના ગંદા પંજા





બિલાડીમાસી જ્યારે પણ પોતાનો શિકાર જુએ છે, પહેલા પોતાના પંજાને ચાટીને સાફ કરે છે અને પછી શિકાર પર ઝાપટ મારે છે. તે હંમેશા આવી નહોતી, પરંતુ એક દિવસે પોપટે ભણાવેલો પાઠ તેને આજ સુધી યાદ છે.

એક દિવસ ભૂખથી બિલાડીમાસી વ્યાકુળ થઈ ગયા હતા. આખો દિવસ આમતેમ ભટક્યા પછી ક્યાંય પેટ ભરવાની વ્યવસ્થા ન થઈ શકી. બધા ઉંદરો ગરમીની રજાઓમાં બહાર રજાઓ મનાવવા જતા રહ્યા હતા, તેથી સારો શિકાર પણ નહોતો મળી શકતો. એક દિવસ તો હદ જ થઈ ગઈ. બિલ્લી આખો દિવસ ભટકતી રહી પણ ક્યાંય કશુ મળ્યુ નહી. બિલ્લીએ કચરાના ઢગલામાં જોયુ કે ક્યાંક કોઈએ વધેલુ ફેક્યુ હોય પણ હાય રે નસીબ... કશુ ન મળ્યુ. અત્યાર સુધી જેટલા ઉંદરો ખાધા હતા તે પણ પેટમાં ઉછળીને જમવાનુ માંગવા લાગ્યા. ત્યારે બિલ્લીએ જોયુ કે સામે જ એક પોપટ બેસ્યો હતો. શિકાર સામે જોઈને બિલ્લીના મોઢામાં પાણી આવી ગયુ. તે દબાયેલા પગલે ગઈ અને લપકીને પોપટને પકડી લીધો. હવે બિલાડી ખુશ થઈ ગઈ કે આજે તો સરસ શિકાર મળ્યો છે.

બિલાડી પોપટને જેવી ખાવા ગઈ કે પોપટ એકદમ બોલ્યો - અરે બિલાડી માસી મને ખબર નહોતી કે તમે આટલા ગંદા હશો. પોપટે કહ્યુ કે મારા મિત્રો તો તમારા ખૂબ જ વખાણ કરે છે. કહે છે કે બિલાડી માસે તો સફાઈ પસંદ અને તે તો એટલી સુંદર લાગે છે. પરંતુ આજે તમને જોઈને લાગે છે કે તમે બિલકુલ એવા નથી. બિલાડીને વખાણ સાંભળીને સારુ લાગ્યુ, પરંતુ પોતાની નીંદા સાંભળીને દિલ દુભાયુ. તે બોલી - બોલ, તને મારામાં શુ ખરાબી લાગે છે. પોપટ બોલ્યો - હવે તમે મને ખાવા જઈ રહ્યા છો, પરંતુ તમારા હાથ કેટલા ગંદા છે. દરેક જાનવર જમતાં પહેલા હાથ સાફ કરે છે. પોપટની વાત સાંભળીને બિલાડીને શરમ આવી. તે બોલી - તુ અહીંજ થોભજે, હુ હાથ ધોઈને આવુ છુ. બિલાડીએ હાથ ધોવા જવા માટે જેવો પોપટને છોડ્યો કે પોપટ તરત જ ઉડીને દૂર ભાગી ગયો. એ દિવસે બિલાડીને ભૂખ્યા જ સૂવુ પડ્યુ. પરંતુ એ દિવસથી તેને નક્કી કર્યુ કે કોઈ પણ શિકાર પકડતા પહેલા હાથ સાફ કરવા જેથી તેને શિકાર ગુમાવવો ન પડે. હવે બિલાડી શિકાર કરતા પહેલા પોતાના પંજાને મોઢા વડે સાફ કરે છે. તે કદાચ એવુ બતાવવા માંગે છે કે તે સફાઈ પસંદ છે અને સુંદર પણ.

0 comments:

Post a Comment